સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
Blog Article
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી- રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વડાપ્રધાને જણાવ્યું છે કે, છેલ્લા એક દાયકામાં સુશાસનને મોડેલ બનાવીને એકતાની દોરને વધુ મજબૂત કરવામાં આવી છે અને ભેદભાવની સમસ્યા દૂર કરવામાં આવી છે. “સબ કા સાથ, સબ કા વિકાસ” ના મંત્રને ધ્યેય બનાવીને સરકાર દ્વારા કોઇ પણ ભેદભાવ રાખ્યા વિના પાત્રતા ધરાવતા તમામ લોકોને એક સમાન યોજનાકીય લાભો આપવામાં આવ્યા છે. એકતાનગર ખાતે સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાના સાંનિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીમાં સહભાગી થયેલા વડાપ્રધાને ઉમેર્યું કે, સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને નીતિઓ થકી દેશની એકતાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
વન નેશન-વન રાશન, વન નેશન-વન આઇડેન્ટી, વન નેશન-વન ટેક્સ, વન નેશન-વન પાવર ગ્રિડ, વન નેશન-વન હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપરાંત હવે સરકાર વન નેશન-વન સેક્યુલર સિવિલ કોડ અને વન નેશન-વન ઇલેકશનની દિશામાં કામ કરી રહી છે.
કાયદાની સમાનતા સાથે યોજનાકીય બાબતોમાં પણ કોઇ ભેદવાદ રાખવામાં આવતો નથી, એમ કહેતા તેમણે જણાવ્યું કે, હર ઘર જલ, કિસાન સન્માન નિધિ, પીએમ આવાસ યોજના, આયુષ્યમાન યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા તમામને આપવાથી અસંતોષ ઠારવામાં સફળતા મળી છે. પ્રો-પિપલ એપ્રોચને પરિણામે સમાજના લાખો લોકોને યોજનાકીય લાભો મળ્યા છે.
સરકારની નીતિઓ અને નિર્ણય થકી દેશને કેવી રીતે એકતાના તાંતણે બાંધવામાં આવ્યો છે ? તેની રૂપરેખા આપતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, રેલ્વે, હાઇવે, ઇન્ટરનેટ જેવી પાયાની સુવિધાઓ ગામેગામ સુધી પહોંચાડવા માં આવી છે. આંદામાન અને લક્ષદ્વિપ જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ સુવિધા પહોંચાડવામાં આવી છે. તેના કારણે લોકોમાં સંતોષ સાથે સરકાર ઉપરના વિશ્વાસમાં વૃદ્ધિ થઇ છે. અમારા વ્યવહારમાં યથાર્થવાદ, સંકલ્પમાં સત્યવાદ, કાર્યમાં માનવતા વાદ અને ધ્યેયમાં રાષ્ટ્રવાદ છે. અમારી તમામ યોજનાઓમાં નીતિ, નિયત એકતા જ પ્રાણશક્તિ છે. સશક્ત, સમાવેશી, સંવેદનશીલ, સતર્ક, વિનમ્ર અને વિકસિત રાહ ઉપર દેશ આગળ વધી રહ્યો છે. દુનિયામાં અસ્થિરતા અને યુદ્ધ વચ્ચે ભારતે સમગ્ર વિશ્વને બુદ્ધનો શાંતિનો સંદેશ આપ્યો છે, એમ જણાવતા શ્રી મોદીએ કહ્યું કે, આટલી વૈશ્વિક સમસ્યાઓ છતાં, ભારત વિકાસના નવા માનકો સ્થાપી રહ્યું છે. આજે એવું કોઈ લક્ષ્ય નથી કે જે ભારત હાંસલ કરી ન શકે, એવો કોઈ સંકલ્પ નથી કે જે ભારતીયો સિદ્ધ ન કરી શકે. છેલ્લા નવ વર્ષમાં ભારત દેશે જોયું છે કે જો પ્રત્યેક વ્યક્તિ પ્રયત્નો કરે તો કશું જ અશક્ય નથી. સરદાર સાહેબની પ્રેરણાથી આપણે તમામ ઇચ્છિત લક્ષ્યો પાર પાડીશુ.
એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિકસાવવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ થકી એક ભારત, શ્રેષ્ઠ ભારતના દર્શન કરાવવા આવે છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની આ ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી શાનદાર રીતે કરવામાં આવશે. આગામી બે વર્ષ સુધી સરદાર સાહેબની સાર્ધ શતાબ્દિની ઉજવણી કરી સંકલ્પો સિદ્ધ કરી સરદાર સાહેબને સાચી કાર્યાજંલિ અર્પિત કરવામાં આવશે.
એકતા દિવસની ઉજવણીમાં એક નાના ભારતનું દર્શન થાય છે. સમગ્ર દેશમાં નવી ઊર્જાનો સંચાર થાય છે. આ વખતે એકતા દિન અને દીપાવલીનો સંયોગ થયો છે. વળી, હવે સમગ્ર વિશ્વમાં આ પર્વને ઉમંગ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે એમ શ્રી મોદીએ કહ્યું હતું.
સરદાર પટેલ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રજાજનોને રાષ્ટ્રીય એકતા દિવસની શપથ પણ લેવડાવી હતી. સરદાર સાહેબને વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પણ કરીને રાષ્ટ્રીય એકતા દિવસની અભૂતપૂર્વ પરેડ નિહાળી હતી.